Monday, 7 April 2014

યુધ્ધ -બાબુલ

એક પતંગિયાની
અધુરી બળેલી પાંખ પર
અણુ વિસ્ફોટની ફિંગર પ્રિન્ટ
અકબંધ છે

સવારે નિશાળે જવા નીકળેલ
પારેવડાંનાં  દફતરમાં
આકાશના ભવ્ય ઈતિહાસનાં પાનાં
ભસ્મ થઇ ચૂક્યાં છે

એક પીંછા વિહોણું પારેવું
માની  સોડમાં લપાવાની ઈચ્છા લઇ
મૃત્યુ પામે છે

યુધ્ધના વિજયની હેડલાઈનમાં
બળેલી કે મરેલી પાંખનો શોક નથી
અને વાંચતી આંખને એનો ક્ષોભ નથી

બાબુલ 

Friday, 7 February 2014

શરમાળ પ્રિયાને - એન્ડ્રુ માર્વેલ

એન્ડ્રુ  માર્વેલ ની ' My coy mistress' એક ખુબ જાણીતી કાવ્યરચના છે... પોતાની પ્રેયસીને અનુબોધિત આ રચના નો ભાવાનુવાદ સર્વશ્રી ધીરુભાઈ ઠાકર સાહેબે લંડન ખાતે મારા કાવ્યસંગ્રહ 'અસર'ના વિમોચન સમારંભમાં રજુ કરી શ્રોતાઓને  મંત્રમુગ્ધ કરેલા. અહીં એ ભાવાનુવાદ મુરબ્બી ધીરુકાકાની પ્રેમાળ યાદમાં પ્રસ્તુત છે...

પ્રિયે આપણી પાસે પૂરતી લાંબી જિંદગી હોત
ને સમય હોત
તો તારી આ રિસાળ પ્રકૃતિને 
હું દોષ ન દેત
તો આપણે ક્યાં જવું 
અને પ્રણયનો સુદીર્ઘ કાળ કેવી રીતે વ્યતીત કરવો
તેનો નિરાંતે બેસીને વિચાર કરત
તું
ગંગાને કિનારે 
કિંમતી પથરા શોધતી હોત,
ને હું
હમ્બરને કિનારે રહ્યો રહ્યો 
અનુનય કરતો હોત.
દસ વરસ લગી
હું તારા પ્રણયની માંગણી કર્યા કરત
અને તું એની અનંતકાળ લગી ના પાડ્યા કરત
....
સો વર્ષ લગી
તારા નયનોની સ્તુતિ કરતો
હું તારા લલાટ પર મીટ માંડી રાખત
પ્રત્યેક પયોધારની પૂજામાં બસો વર્ષ ખર્ચી નાખત
બાકીના અંગોની પ્રશસ્તિ માટે ત્રણ હજાર વર્ષ  આપત 
એક એક અંગને નિદાન એક એક યુગ અર્પણ કરત
અને છેલ્લા યુગમાં
તારા હ્રદયના દ્વાર ખુલત
પ્રિયતમે, તું આ પ્રશસ્તિ પ્રાપ્ત છે
એનાથી સહેજ પણ ઓછો મારો તારે માટે પ્રેમ ન હોત
પ...ણ
મારી પાછળ 
વેગે ધસી આવતા સમયના રથનો ખડખડાટ
હું સાંભળું છું
આપણી સામે અનંતતાનું રણ
અફાટ વિસ્તરીને પડ્યું છે
પછી તારા સૌદર્યનું નામોનિશાન નહિ હોય
પછી તારી કબરના આરસમય ઘુમ્મટમાં
મારું ગીત નહિ સંભળાય 
પછી તો  કીટકો તારા ચિરરક્ષિત કૌમાર્યનો
ઉપભોગ કરશે
તારું અભિમાન ધૂળમાં મળી ગયું હશે
મારી કામનાની ભસ્મ ઉડતી હશે.
કબર સરસ એકાંત સ્થળ છે
પણ, હું ધારું છું, કોઇ કોઇને ત્યાં આશ્લેષ આપતું નથી
માટે હે સુંદરી
તારી કાયા પર
પ્રભાતના ઝાકળબિંદુ  જેવો
યૌવનનો રંગ બેઠો છે 
અને તારા હૃદયના પ્રત્યેક છિદ્રમાંથી 
જુવાનીનો જુસ્સો પ્રગટી રહ્યો છે 
તો...
વખત છે, ત્યારે, ચાલ,
આપણે આનંદ ખેલ ખેલી લઈએ 
અને સમયના મુખમાં
ધી..મેં... ...ધી..મેં 
કોળિયો બની જઈએ 
તેના કરતા
અત્યારે જ ક્રીડારત ક્રૌંચની માફક
આપણે એક સપાટે તેનો શિકાર બની જઈએ.
ચાલ, અલબેલી, આપણા તમામ સામર્થ્ય 
અને માધુર્યનો ગોળો વાળી દઇએ
પછી જિંદગીના લોહદ્વાર સાથે ઝીંક લઈને 
આનંદ ઝડપીએ 
એમ કરીને
જો કે ...
સમયની ગતિને થંભાવી નહિ શકીએ 
પણ એને દોડાવી જરૂર શકીશું.
---
To His Coy Mistress  Andrew Marvell (1621-1678) નો ભાવાનુવાદ  

Tuesday, 14 January 2014

સાલ મુબારક! -બાબુલ

છેલ્લી  થોડીક પળ
છો છોભીલી પણ
અચૂક અટકળ
અંત જ ગણ!

...ન તો  વસીયત
થઇ નહિ નસીહત
વરસ આથમ્યું
ઉગી નવી નિયત

...ટાવરનાં  ટકોરા
શ્યામ ગોરા
જાગી જાગીને લાવ્યાં
ઉત્સાહને ઓરા

દોસ્ત - ચાહક
સાલ મુબારક!


બાબુલ 


Saturday, 4 January 2014

સાહિત્યને ઘર, ગામ, વતન કે દેશ નથી હોતા....

એકદા દિલિપકુમારે લતા મંગેશકરના આલ્બર્ટ હોલ ખાતેના કાર્યક્રમમાં કહેલ એમ, ફૂલની ફોરમના કોઇ સિમાડા નથી હોતા. એમ જ વ્યોમે વિહરતી વાદળીઓના પણ કોઇ ઘર, ગામ, વતન કે દેશ નથી હોતા. હા, કોઇ સાગરના ઉરે પથરાયેલા સર્વવ્યાપી સૂર્યના કિરણો થકી જન્મીને એ તો ગગનરંગે રંગાઇ તરવરે છે, ક્યાંક અમસ્તી જ તો ક્યાંક ભીંજવી દેતી ખરબચડી ધરાને. આપણામાં ઘણાંને એ ક્યારેક એ ગમે છે અને ક્યારેક નથી ગમતી. સાહિત્ય પણ શતરંગી વાદળી જેવું જ તો છે. એને વાદળિયા રંગ જેમ વર્ણવી શકાય જરુર કિંતુ વાડાઓ- સરહદોમાં કેમ બંધાય? અને એટલે ડાયસ્પોરિક સાહિત્ય અને તળ ગુજરાતી સાહિત્ય વચ્ચે આલેખાયા ભેદ આકરા લાગે છે. કોઈ પણ સાહિત્ય રચના કલ્પના, પાત્ર પરિવેશ, કથાવસ્તુ, કથા શૈલી, સ્થાનક અને કથાકાર પર નિર્ભર હોય છે, નહીં કે સાહિત્યકાર ના ઉદ્ભવસ્થાન, નિવાસસ્થાન, પશ્ચાદભૂ, આવક, વય, કે મોભો. એ ચોક્કસ કે દરેક સાહિત્યકૃતિ  પર આ સઘળી પરિસ્થિતિઓનો પ્રભાવ હોય છે. પણ સાહિત્ય એથી જ તો સબળ – સમૃદ્ધ  બને છે.

મારા નમ્ર મતે સાહિત્યમૂલન ગુણવત્તાના ધોરણે જળવાય એ અગત્યનું છે, અલ્બત્ત માતબર સાહિત્યને પોષવા ખાતર, ઉત્તમ ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે મુખ્ય ધારાથી ભિન્ન નવોદિત, પ્રતિભાશાળી સાહિત્યપ્રવાહોને પ્રોત્સાહિત કરવા સારુ, એમને જુદા તારવવામાં આવે તો એ અજુગતું નથી જ. એ શક્ય છે કે અગ્રીમ સાહિત્યસર્જકો અને વિવેચકોને અપેક્ષા હોય કે સાહિત્યકારોનો ચોક્કસ વર્ગ અમુક ચોક્કસ પ્રકારની રચનાઓ પરત્વે વધુ રસ દાખવે, પરંતુ કદાચ એ મંતવ્ય ગુણવત્તા કરતાં વધુ બિબાંઢાળ પ્રવૃત્તિને પ્રોત્સહિત કરશે. ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યના ( જો એ સંદર્ભને તટસ્થતાથી વાપરી શકાય!) સંદર્ભમાં એ જરૂરી છે કે એનો વ્યાપ વૈશ્વીક (global)બને, ન તો એ વસાહતી વર્ણનો પર નિર્ભર રહે કે ન તો એ સમુળગા તળગુજરાતી કલ્પનોમાં વિહરે. જેમ તળગુજરાતમાં છે એમ જ ગુજરાત બહાર પણ પ્રતિભાશાળી સર્જકો વસે છે. આવા છટાદાર સાહિત્યકારો અને સાહિત્યરસિકો થકી જ તો ગુજરાતી સાહિત્ય ઉજાગર છે. જેમ મુંબઈમાં ગુજરાતી સાહિત્ય ગુણવત્તાને ધોરણે મુખ્ય ધારામાં છે એમ વિશ્વભરમાં રચાતું સાહિત્ય મુખ્ય ધારામાં સંકલિત હોવું જરુરી છે. અહીં વિલાયતના સંદર્ભમાં આપણને જરુર છે ડાયસ્પોરિક વિવેચનની, ચિંતનની કે જેથી કરીને એની આગવી શૈલી, પ્રથા, પીડા અને (ઉત)ક્રાંતિને જરૂરી મૂલ્યાંકન પ્રાપ્ત થાય અને એને યોગ્ય સ્થાન પ્રદાન થાય.

સૌ સાહિત્યને – સાહિત્યકારોને એક મંચ પ્રાપ્ત હો એ માટે સૌએ પ્રયત્નશીલ થવું રહ્યું. એ અત્યંત જરુરી છે કારણ કે ભિન્નતા ગુણીયલ છે, એમાં નાવિન્ય છે, આગવો અંદાજ છે; જે સાંપ્રત સાહિત્યને ખૂબ સબળ બનાવશે.

'ઓપિનિયન'  માં પ્રસિદ્ધ થયેલ પત્ર માંથી

Sunday, 29 December 2013

તમન્ના - બાબુલ

ધોળુ મળે  કાળુ મળે 
મુખ તો રૂપાળુ મળે 
શોધું સ્મિતને હું અને  
કારણ કજિયાળુ મળે 
મેઘાને તો વરસવું  
નદી નહિ તો નાળુ મળે 
તરવાની એક તમન્ના 
ડૂબતાને ડાળુ મળે 
મળ્યું આખરે  જો ઘર 
ત્યાં ય બંધ તાળુ મળે 
તારો પ્રેમ હો વસંતી 
ને વ્હાલ શિયાળુ મળે  

બાબુલ